શ્રી રામદેવપીર આશ્રમ - ધાર

🙏 ધાર આશ્રમ ની સ્થાપના 🙏

|| પ્રથમ સ્થાપના ||

વિક્રમ સંવત ૧૮૮૧ એટલે કે ઈ.સ.૧૮૨૨ માં ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજ દાદા ખાચર ના લગ્નમાં જાય છે ત્યારે જાન બળદ ગાડા અને ઘોડે સવાર દ્વારા જાય છે બળદ અને ઘોડાઓ ને થાક ન લાગે તે માટે રસ્તામાં આરામ આપતાં જતાં હતાં. ત્યારે જાન ધાર ગામના આથમણા પાદર કુઈ હતી ત્યાં પાસે થોડી દૂર વિશ્રામ કરવા ઉભા રહ્યા.ગામનાં હરિ ભક્તો પ્રભુશ્રી નાં સામૈયા કરે છે અને દર્શનનો અનેરો લાભ લે છે અને સર્વેને જળપાન કરાવે છે આ જગ્યાએ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજ આવીને વિશ્રામ કરે છે આ સ્થાન પર એક લીમડા નીચે બેસીને કુઈ નું પાણી પીવે છે અને તૃપ્ત થઈ ને આનંદમાં આવીને ભગવાન આ સ્થાન પર ભ્રમણ કરીને પોતાના વરદહસ્ત થી થાપો મારે છે અને આ કુઈ નું નામ નારાયણ કુઈ તરીકે રાખે છે અને પોતાના ચરણ કમળ ની ધૂળ દ્વારા આ ભૂમિને પાવન પવિત્ર કરી દીધી હતી,

આમ, સૌ પ્રથમ આ પાવન ભૂમિ પર ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજ આવીને પ્રથમ સ્થાપના કરી હતી અને આ ધાર આશ્રમની સ્થાપના સૌ પ્રથમ ૧૯૭ વર્ષ પૂર્વ થઇ ગઇ હતી.

|| દ્વિતીય સ્થાપના ||
🙏 શ્રી જાદવ બાપા 🙏

શ્રી લક્ષ્મણ બાપુ નાં પિતાશ્રી બેચર બાપા અને બેચર બાપા નાં પિતાશ્રી જાદવ બાપા.

જાદવ બાપા નું જીવન એકદમ નિર્માલ્ય, સાદું અને સરળ હતું જાદવ બાપા ખૂબ દયા ભાવ અને પ્રેમાળ સ્વભાવ વાળા હતાં જાદવ બાપા નાનપણથી જ ગામમાં ધાવડી પર જાળ નીચે બિરાજમાન હનુમાનજી મહારાજને ખૂબ માનતા હતા અને જેને જાળવાળા હનુમાનજી મહારાજ અથવા જાળવાળા દાદા નામે ઓળખાય છે, વીરાબાપા નાં સંસ્કાર અને કેળવણીથી જાદવ બાપા જાળવાળા હનુમાનજી દાદાને ખૂબ જ માનતાં હતાં જે તેમાં સર્વે ઈષ્ટદેવો ને જોતા હતાં, અને જાળવાળા હનુમાનજી મહારાજની નિખાલસ ભાવથી સેવા, પૂજા, અર્ચના કરતાં હતાં.

એક દિવસ જાદવ બાપા લોકાનાં ઢોરે રંગાણી નાં ખેતરમાં ખેતીકામ કરવા માટે સાતી લઇને ખેતર જાય છે અને સાતી ઉપર એક મોટો પાણો મુકે છે આ પથ્થર ભુતાવળ હતો, જેવો પથ્થર જાદવ બાપા સામળા વચ્ચે મુકે કે તરત જ પથ્થર વચ્ચેથી નીકળી જાય અને પછી પાછા જાદવ બાપા બથમાં મોટો પથ્થર લઈને સામળા વચ્ચે મુકે પણ બાપા ઘણો સમય આમ કરે છે પરંતુ પથ્થર રહેતો નથી.

આટલો મોટો પથ્થર સાતી વચ્ચેથી નિકળી જાય તે જાદવ બાપા ને સમજાતું ન હતું એટલે જાદવ બાપા તે છોડીને બીજા કાર્યમાં લાગી ગયા, પછી ખેતીકામથી થાકીને તે સંધ્યા સમયે ઘરે આવે છે અને વાળુંપાણી કરીને સૂઈ જાય છે પછી રાત્રે જે પથ્થર હતો તેમાંથી ભૂતાવળ પ્રગટ થાય છે અને ભેંસનું રૂપ લઇને જાદવ બાપાનાં ખાટલે સીંગડું પછાડે છે અને રણકે છે ત્યારે જાદવ બાપા જાગે છે અને તેને એમ થાય છે કે પ્રભાત થઈ ગયું છે.

આમ, જાદવ બાપા લાકડી લઇને ચાલતાં થયા અને આગળ ભેંસ અને પાછળ જાદવ બાપા જાય છે મોલડીનાં કેડે ( રસ્તે ) લોકાનો ઢોરો આવેલ છે ત્યાં જાદવ બાપા જાય છે. ભેંસો માંથી ભૂતાવળ પ્રગટ થાય છે પોતાનું રૂપ ધારણ કરીને જાદવ બાપા ને ઘેરી લે છે ચારેય બાજુ ભૂતાવળથી ઘેરાયેલા જાદવ બાપા જાળવાળા હનુમાનજી મહારાજને સાચાં હૃદયથીં અંત: નાદ કરે છે અને જાળવાળા હનુમાનજી મહારાજ બટુક સ્વરૂપે પ્રગટ થાય છે અને ભૂતાવળનો નાશ કરીને જાદવ બાપાનો હાથ પકડીને ધાર ગામના આથમણા પાદર નારાયણ કુઈ પાસે આવીને જ્યાં હાલ આશ્રમ નાં હનુમાનજી મહારાજ બટુક સ્વરૂપે છે ત્યાં આવીને હનુમાનજી મહારાજ ઉભા રહે છે.

અને જાદવ બાપા ને કહે છે કે તમે હવે ઘરે જાવ હું અહીં ઉભો છું હું તમારો ઈષ્ટદેવ છું માટે ભાદરવા મહિનામાં થાળ કરજો અને કાલે સવારે સાત ભાતનું હીર લાવીને અહીં પથ્થર નીચે મૂકી દેજો આમ, કહીને હનુમાનજી મહારાજ અલોપ થઈ ગયા અને જાદવ બાપા ઘરે ગયા.

જાદવ બાપા બીજા દિવસે સાત ભાતનું હિર લાવીને હનુમાનજી મહારાજનાં કહ્યા પ્રમાણે પથ્થર નીચે મૂકી આવે છે. અને પછી તે હિરનો દોરો તૈયાર થઈ ગયા પછી જાદવ બાપા લઇ આવે છે. હનુમાનજી મહારાજના કહ્યા પ્રમાણે તે દોરો જાદવ બાપા ગ્રહણના સમયે મીઠાની કુંવડીમાં મુકી દેતા. અને પછી પાછો તે દોરો ધૂપ આપીને જાદવ બાપા હાથે બાંધી દેતા હતા આમ, જાદવ બાપા જાળવાળા હનુમાનજી દાદાના પરમ ભક્ત હતાં.

હનુમાનજી મહારાજ પ્રગટ થઈને આ જગ્યાએ સ્થાપિત થઈને જાદવ બાપા ને આશિર્વાદ આપે છે માટે આ ભૂમિ ખૂબ જ પાવન ભૂમિ છે. જાળવાળા હનુમાનજી મહારાજ જ્યાં ઉભા હોય તેથી વિશેષ સ્થાપના કઈ હોય શકે ? આમ, પરમ ભક્ત જાદવ બાપા દ્વારા સ્વયમ્ બટુક સ્વરૂપે પધારેલા હનુમાનજી મહારાજ એ ધાર આશ્રમ ની દ્વિતીય ( બીજી ) સ્થાપના કરી હતી.

|| તૃતીય સ્થાપના ||

સૌરાષ્ટ્ર ની ધરાએ સંતોની પાવન ભૂમિ છે જેમાં મોટા ભમોદ્રા ગામે પરમ પૂજ્ય સદગુરૂ શ્રી સુખરામ બાપુ બિરાજમાન છે. શ્રી સુખરામ બાપુ વિશે વાત કરી શકાય તેમ નથી. કારણ કે આ જીવની કોઈ હેશીયત નથી કે તેમનું વર્ણન કરી શકે. શ્રી સુખરામ બાપુ જેવા મહાપુરુષો અનેક જીવોના ઉદ્ધાર અર્થે જ પ્રગટ થાય છે શ્રી સુખરામ બાપુ નું જીવન ચરિત્ર આપણને સુખવિલાસ માં જોવા મળે છે માટે તેમની જાખી તેમાં થઈ શકે છે.

શ્રી સુખરામ બાપુ નાં ભજનો, કિર્તનો, ધોળ, ધુન, ઝિલણીયા, પ્રભાતિયા વગેરે ખૂબ જ પ્રસિદ્ધ છે. જેમાં "ભાલાવાળા મારી ભેરે રેજો" ખૂબ જ જગ વિખ્યાત છે. એવા પરમ કૃપાળુ શ્રી સુખરામ બાપુ પોતાની મોજ ઝીલે એવું પાત્રતા માટે તેમણે સુખવિલાસ માં એક ભજન ની રચના કરી છે, "એવા પીરતો રામા પહોંચો રે, ધારે પહેલાં ધુન ધણી રે,જી." એ ભજન શ્રી સુખરામ બાપુ દ્વારા રચાયું છે જે તેમણે લક્ષ્મણ બાપુ ને ઉપદેશ પણ આપ્યો ન હતો તે પહેલાં શ્રી સુખરામ બાપુ એ સ્થાપના કરી હતી.

અને પછી સર્વે મોજ જીલે એવું પાત્ર શ્રી લક્ષ્મણ બાપુ મળે છે પરંતુ ધાર આશ્રમ ની સ્થાપના શ્રી સુખરામ બાપુ પોતાની પાવન પવિત્ર વાણી ગંગા દ્વારા જ કરેલ છે. પછી શ્રી સુખરામ બાપુ પોતાની સર્વોસ્વ મોજ શ્રી લક્ષ્મણ બાપુ ઉપર ઉતારી દે છે અને કહે છે, કે આ તો તૈયાર પાત્ર છે આને ક્યા વાર છે ત્રણ દિવસમાં જ સિદ્ધ આમ શ્રી સુખરામ બાપુ એ લક્ષ્મણ બાપુ નાં મિલન પહેલાં જ પરમ પૂજ્ય સદગુરૂ મહારાજ દ્વારા ધાર આશ્રમ ની સ્થાપના કરી દીધી હતી.